
સીદી સૈયદની જાળી, છબી – કૌશલ પારેખ
બધે કાચની ભીંત પથ્થરનાં ઘર છે,
અહીં ભીડ ઝાઝી ને સૂનું નગર છે.
તિરાડોમાં એનો ઘરોબો હશે કાં?
કે બંધ બારણાંને ટકોરાનો ડર છે.
હું વાંચ્યા વગર સાર પામી ગયો છું,
ભલેને ઉપરથી બીડેલું કવર છે.
કિનારામાં જડતા અકારણ વસી ગઈ,
નહિતર નદીનું તો કોમળ જિગર છે.
ન બાંધો લીલાં તોરણો બારણે મુજ,
જીવનમાં અહીં તો સદા પાનખર છે.
ઊઠી તો ગયા છે ભલે ‘મીર’ ત્યાંથી,
ઊભા છે હજી એમની જ્યાં ડગર છે!
રશીદ મીર



કંઈક કહેવું છે..