ઉપાધી આજીવન દઈ બે ઘડીની મોજ આપીને,
ધણા હળવા થયા સસરા અમને બોજ આપીને.
વગર કીધે જ સમજી જાઊં છું સંજ્ઞા ખરીદીની,
વળાવે ઓફીસે થેલી મને દરરોજ આપીને.
રીટાયર્ડ ફીલ્ડમાર્શલનો દરજ્જો હો મળ્યો જાણે,
થયા છે ફ્રી સદંતર એ અમને ફોજ આપીને.
થયા કરતી નિરન્તર આવ-જા ઘરમાં સગાઓની,
ગયા હો બાપ-દાદા કેમ જાણે લોજ આપીને.
છું મેનેજર તો મોડું થાય છે ક્યારેક કારણ સર…
વિમાસણમાં મુકે છે એ મને ‘શો ક્રોઝ’ આપીને.
ચિકિત્સક મૂળ કારણ મુજ અનિંદ્રાનું નથી સમજ્યા,
લઈ પૈસા, ને દે છે ઉંઘ એ કમ્પોઝ આપીને.
ખબર છે કે સૂરણ છે પથ્ય મુજને ખાસ તકલિફમાં,
લીયે છે ક્યા જનમનું વેર એ ભીંડૉ જ આપીને.
ઘણાં કડવાં વચન કેરી મળે છે રોજ કડવાણી,
કવચિત રાખે ય છે મને વ્હાલનું ગ્લુકોઝ આપીને.
મને રહેવા જ દો બહુ કામમાં સાકરીયા માબાપ!
સજા ક્યાં *દીયો છો ‘જમશેદજી નવરોઝ’ આપીને!
‘લલિત’ મનમાં સુતેલા સળવળે છે મજનું હમણાંથી,
થયો છું બોર હું કેવલ પતિનો “પોઝ” આપીને.
લલિત વર્મા – મુંબઈ
* જોડાક્ષર






કંઈક કહેવું છે..